Gujarat

એરફોર્સ અને NH ઓથોરિટીને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી

વડોદરા જિલ્લાના હરણી ગામમાં આવેલી વડોદરા પાંજરાપોળની માલિકીની 38,757 ચોરસ મીટર જમીન કોઈપણ પ્રકારના સંપાદન કે વળતર ચૂકવ્યા વિના એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા વપરાશમાં લઈ લેવાતાં સર્જાયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય, NHAI અને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સહિતના સામાવાળા પક્ષકારોને નોટિસ ફટકારી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાંજરાપોળની રીટ પીટીશન ફગાવી દેવાતાં સંસ્થાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં આગામી સુનાવણી 9 ઓક્ટોબરના રોજ નિયત કરવામાં આવી છે.

જમીન પચાવી પાડવાનો સમગ્ર વિવાદ અને હાઇકોર્ટની કાર્યવાહી વર્ષ 2016માં પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટી રાજીવ નવીનચંદ્ર શાહ દ્વારા DILR મારફતે સરવે કરાવવામાં આવતાં આ ગેરકાયદે વપરાશનો ખુલાસો થયો હતો. સંસ્થાએ RTI કાયદા હેઠળ દસ્તાવેજો એકત્ર કરી એડવોકેટ ઋષભ નિમિષ કાપડિયાની સલાહથી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન ફાઇલ કરી હતી. જોકે, હાઇકોર્ટે પાંજરાપોળ પોતાની માલિકી પુરવાર કરવામાં અસક્ષમ રહી હોવાનું જણાવી રીટ પીટીશન નામંજૂર કરી હતી. હાઇકોર્ટના આ હુકમથી નારાજ થઈ સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન (SLP) દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં એડવોકેટની ધારદાર દલીલો પાંજરાપોળ વતી વકીલ ઋષભ કાપડિયાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાઇકોર્ટે સંસ્થાની તરફેણમાં ચાલી આવતા મહેસૂલી રેકોર્ડ ધ્યાને લીધા નથી. એરફોર્સ અને NHAI એ પોતે સ્વીકાર્યું છે કે વર્ષ 1981 (હાઇવે માટે) અને 1986/ 1989 (એરફોર્સ માટે) થયેલા સંપાદન સિવાય આ વાદગ્રસ્ત જમીન અંગે અન્ય કોઈ સંપાદન કરાયું નથી. જો સરકારી તંત્ર જમીનનો વપરાશ ચાલુ રાખવા માંગતું હોય, તો જમીન સંપાદનની કાયદેસર પ્રક્રિયા હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે.