Gujarat

વસ્ત્રાપુરની હોટલમાંથી યુવતી MD ડ્રગ્સ સાથે ઝડપાઈ

વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી હોટલ લેક પેલેસમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ટીમે હોટલના રૂમ નંબર 205 માં દરોડો પાડ્યો હતો.રૂમમાંથી પહોંચી નંદની નામની યુવતી પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી, જ્યારે તેની સાથે રૂમમાં રોકાયેલો ચંદ્રપાલસિંહ ઝાલા પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતોપોલીસે રૂમની તપાસ દરમિયાન નંદની પાસેથી 64 હજાર રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

ચંદ્રપાલસિંહ અને નંદની લેક પેલેસ હોટલમાં રોકાયા’તા પ્રાથમિક પૂછપરછમાં નંદનીએ આ ડ્રગ્સનો જથ્થો ચંદ્રપાલસિંહ પાસેથી ખરીદ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે. બંને એક જ રૂમમાં રોકાયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જેના પગલે પોલીસે નંદનીની ધરપકડ કરી ચંદ્રપાલસિંહ સામે પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચ હવે ફરાર ચંદ્રપાલસિંહને ઝડપી લેવા માટે શોધખોળ કરી રહી છે.

પોલીસ તપાસમાં ચંદ્રપાલસિંહ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, કોની પાસેથી ખરીદ્યો હતો અને નંદનીને કેટલા સમયથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો તે અંગે તપાસ કરવામાં આવશે. બંને વચ્ચે અગાઉથી ડ્રગ્સની લેવડદેવડ ચાલતી હતી કે નહીં તે પણ તપાસનો મહત્વનો મુદ્દો છે.

આ ઉપરાંત નંદનીએ અગાઉ પણ કોઈ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું કે કેમ અને ઝડપાયેલો જથ્થો પોતે ઉપયોગ માટે હતો કે અન્ય કોઈને વેચવાનો હતો તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હોટલમાં બંને કેટલા સમયથી રોકાયા હતા અને ત્યાં કોઈ અન્ય વ્યક્તિ તેમને મળવા આવી હતી કે કેમ તે જાણવા હોટલના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.