Gujarat

લોન અપાવવાની લાલચ આપી 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં લોન અપાવવાની લાલચ આપીને ભેજાબાજે વેપારી સહિત 7 લોકો પાસેથી કુલ 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ 4 લાખ રૂપિયાની લોન તેમજ 30 ટકા સબસિડી અપાવવાની લાલચ આપીને અલગ-અલગ રકમ લીધી હતી. ત્યારબાદ મોબાઇલ ફોન બંધ કરી ભાડાનું મકાન ખાલી કરીને ફરાર થઈ ગયો હતો.

વડોદરા શહેરના નવાયાર્ડ નાકા પાસે કુંજ એવન્યુ નીચે છેલ્લા 12 વર્ષથી નાસ્તાની લારી ચલાવતા વેપારી સંદીપભાઈ પ્રજાપતિની આરોપી નિલેશભાઈ ચંદુભાઈ પટેલ સાથે ઓળખાણ થઈ હતી.

આરોપી અવારનવાર નાસ્તો કરવા આવતો હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આરોપીએ પોતે બેંકમાંથી લોન અપાવતો હોવાનું તેમજ રાજપીપળા ખાતે પોતાની જમીન હોવાનું જણાવીને લોન માટે સિક્યુરિટી તરીકે જમીન આપવાની ખાતરી આપી હતી.

આરોપી નિલેશે સંદીપભાઈને 4 લાખ રૂપિયાની લોન તથા 30 ટકા સબસિડી અપાવવાની લાલચ આપીને લોન માટે એડવાન્સની રકમ માંગતા સંદીપભાઈએ અલગ-અલગ સમયે કુલ 84 હજાર રૂપિયા રોકડા અને ઓનલાઇન આપ્યા હતા.

આ ઉપરાંત ફરિયાદીનું HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ લઈ તેના મારફતે રૂ.20 હજાર અને રૂ.27 હજારની રકમ ઉપાડી હતી. તેમજ રૂ.82,900ની કિંમતનો આઈફોન-17 મોબાઇલ ફોન પણ લઈ લીધો હતો. બાદમાં તા.12 ફેબ્રુઆરીના રોજ ક્રેડિટ કાર્ડ મારફતે વધુ રૂ.10 હજારની રકમનો ઉપયોગ કર્યો હતો.