Gujarat

ટાઉન પ્લાનિંગનું કામ કરી આપવાના નામે 25 લાખની ઠગાઈ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના કારણે જમીનના ફાઇનલ પ્લોટમાં થયેલા ફેરફારનો ઉકેલ લાવી આપવાના નામે બિલ્ડિંગ મટીરિયલના વેપારી પાસેથી 25 લાખ પડાવ્યા હતા. કામ ન થતા વેપારીએ રૂપિયા પરત માગતાં મનીષ દીક્ષિતે કામ કરવાના નહીં કામના ફોલોઅપ લેવાના પૈસા લીધા હતા તેમ કહીને રૂપિયા પરત આપ્યા નહોતા. જેથી વેપારીએ ઠગ વિરુદ્ધ ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જમીન સંબંધિત કામ કરાવી આપવાની બાંહેધરી આપી 25 લાખ પડાવ્યા ગોત્રી ગામમાં રહેતા ધવલભાઈ રાજેન્દ્રભાઈ પટેલે નોધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગાયત્રી ટ્રેડર્સના નામે બિલ્ડિંગ મટીરિયલનો વેપાર કરે છે. વર્ષ 2022 દરમિયાન ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.10 ગોત્રી-ગોરવા અમલમાં આવતા તેમના નામે રહેલા ફાઇનલ પ્લોટ નં.58 અને 42માં ફેરફાર થયો હતો. આ ફેરફારથી પરિવારને નુકસાન થયું હોવાનું જણાવી તેનો ઉકેલ મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા હતા.

આ દરમિયાન પરિચિત મારફતે ઓક્ટોબર 2022માં મનીષ સુરેન્દ્રલાલ દીક્ષિત સાથે તેમની ઓળખાણ થઈ હતી. મનીષ દીક્ષિતે જમીન સંબંધિત કામ કરાવી આપવાની બાંહેધરી આપી 25 લાખ રૂપિયા ફી નક્કી કરી હતી. 25 લાખ રૂપિયાના ચેક ક્લિયર થયા બાદ વેપારી દ્વારા કામની પ્રગતિ અંગે વારંવાર ટેલિફોનિક તેમજ રૂબરૂ પૂછપરછ કરવામાં આવતી હતી.

ત્યારે કામ થઈ જશે, હાલ પ્રોસેસમાં છે, ચિંતા ન કરો’ તેમ કહી તેમને આશ્વાસન આપવામાં આવતું હતુ. જોકે લાંબો સમય પસાર થયા છતાં ન તો કામ પૂર્ણ થયું કે ન તો કામગીરી અંગે કોઈ દસ્તાવેજ કે સ્પષ્ટ માહિતી આપવામાં આવી.