નવસારીના પ્રસિદ્ધ ઉંભરાટ ગામમાંથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં, એક મહિલા પોતાના મોપેડ વહન પર ઇંગ્લિશ દારૂનો જથ્થો ખુલ્લેઆમ લઈને જતી કૅમેરામાં કેદ થઈ છે.
ઉંભરાટ ગામમાં મોપેડ સવાર મહિલા જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને પ્રવેશી રહી હતી ત્યારે ગામના જાગૃત સ્થાનિક યુવાનોની નજર તેના પર પડી હતી. યુવાનોએ તુરંત જ મહિલાને અટકાવી હતી અને ગામમાં દારૂનો જથ્થો ઘુસાડવા સામે સખત વિરોધ દર્શાવી તેને રોકી હતી. સ્થાનિક યુવાનોએ આ સમગ્ર ઘટનાનું પોતાના મોબાઈલ કેમેરામાં શૂટિંગ કરી લીધું હતું. મોપેડ પર દારૂનો જથ્થો લઈને જતી મહિલાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારે મહિલાઓ દ્વારા પણ દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પોલીસની નાકાબંધી અને ગશ્ત વચ્ચે આટલો મોટો દારૂનો જથ્થો બિંદાસપણે ગામ સુધી પહોંચ્યો કેવી રીતે, તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક યુવાનોની જાગૃતિના કારણે આ મામલો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે હવે વાયરલ વીડિયોના આધારે પોલીસ બુટલેગરો અને મહિલા સામે કયા પ્રકારના પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

