Gujarat

જામનગરમાં 153 કરોડની મિલ્કતો વ્યાજખોરોએ પચાવી પાડતા બિલ્ડરે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

જામનગર અને અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા જાણીતા બિલ્ડર મેરામણ પરમારના આત્મહત્યાના કેસમાં ઘટસ્ફોટ થયો છે અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 10 જાન્યુઆરી, 2025ના રોજ તેમનું મોત થયું હતું,

પરંતુ 27 ઓગસ્ટે પરિવાર દ્વારા ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં આ સમગ્ર કાળો કારનામો બહાર આવ્યો છે. ​મૃતક બિલ્ડરના પુત્ર દેવ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ)ની ફરિયાદના આધારે પોલીસે જામનગરના વાઢેર અને દોમડીયા પરિવારના 11 આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર રચવા અને આપઘાતની દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરતા ચકચાર મચી ગયો છ. ​ઘટનાની વિગત મુજબ, 10 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે મેરામણ પરમાર પોતાના ડ્રાઇવર સાથે ગાડીમાં અડાલજ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. અડાલજની સીમમાં ગાડી ઊભી રખાવી ડ્રાઇવરને પાન લેવા મોકલ્યો હતો.

આ દરમિયાન તેમણે ઝેરી દવા પી લીધી હતી. તબિયત લથડતાં તેમને તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. ​મોતના 10 દિવસ બાદ (21 જાન્યુઆરી 2025) મૃતકના પત્ની કીર્તીબેનને ઘરમાંથી એક બંધ કવર મળ્યું હતું.