બોટાદના દડવા ગામ પાસે 28 ઓગસ્ટે રાત્રે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાસરીયામાંથી રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરી રહેલા એક પરિવારની CNG રિક્ષાને પૂરઝડપે આવી રહેલી પીક-અપ બોલેરો ગાડીએ ટક્કર મારી હતી. જેમાં ઘટનાસ્થળની બાજુમાં ભરાયેલા પાણીમાં પડવાથી એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બોટાદના એક જ પરિવારના ચાર સભ્યને ગંભીર ઈજા પહોંચી હતી.
રિક્ષાને બોલેરોએ ટક્કર મારી બોટાદના યમુનેશનગરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ભરત જીણાભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ 32 વર્ષીય વિપુલભાઈ જીણાભાઈ વાઘેલા પોતાના પત્ની સેજલબેન અને ત્રણ બાળકો 11 વર્ષીય દ્રવ્ય, 7 વર્ષીય નેન્સી અને 4 વર્ષીય ખુશી સાથે પોતાની CNG રિક્ષા નંબર GJ-04-AU-3506 લઈને પાલીતાણા તાલુકાના માંડવડા ગામે સાસરીમાં રાખડી બંધાવવા ગયા હતા.
સાંજ પડ્યે પરિવાર સાસરીયામાંથી રિક્ષા લઈ બોટાદ પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન રાત્રે આશરે સાડા નવેક વાગ્યે ધોળા-ગઢડા રોડ પર દડવા ગામ પાસે પહોંચતા સામેથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી પીક-અપ બોલેરો ગાડી નંબર GJ-33-T-1743ના ચાલકે રિક્ષાને જોરથી ટક્કર મારી હતી.
રિક્ષામાં સવાર મહિલા અકસ્માત બાદ પાણીમાં પડતા મોત આ ગમખ્વાર અકસ્માતને કારણે રિક્ષાચાલક વિપુલભાઈ અને તેમના ત્રણેય બાળકોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતની જોરદાર ટક્કરને કારણે રિક્ષામાં સવાર સેજલબેન ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા પાણીમાં પડ્યા હતા, જ્યાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ બોલેરો ગાડીનો ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો.

