લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ લાલપુર તાલુકાના તુંગેશ્વર ખાતે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિસ્તારમાં સર્જાયેલી ગંભીર પાણીની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વરસાદની અછતને કારણે ખેતી અને પશુપાલન સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતો પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમની આજીવિકા પર અસર પડી રહી છે.
ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને, આગામી દિવસોમાં ધારાસભ્ય અને આગેવાનો માનનીય મુખ્યમંત્રીને મળશે. તેઓ સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડવામાં આવે તેવી રજૂઆત કરશે. આ ઉપરાંત, વરસાદની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને તાત્કાલિક ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવામાં આવે તેવી પણ ભારપૂર્વક માંગણી કરવામાં આવશે.

