Gujarat

ગાજરાવાડીમાં રણછોડજી મંદિર પાસે જુગાર રમતા 3 ઝડપાયા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જુગાર રમતા જુગારીઓ પર પોલીસે સકંજો કસ્યો છે. ત્યારે પાણીગેટ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગાજરાવાડી, ગોમતીપુરામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 3 ઈસમોને રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત 31 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કર્યા છે.

રણછોડજી મંદિર પાસે જુગાર રમતા હતા પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલ અને સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ગાજરાવાડી ગોમતીપુરા રણછોડજી મંદિર પાસે કેટલાક ઈસમો ભેગા મળી પૈસા વડે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા શખ્સોને કોર્ડન કરી પકડી પાડ્યા હતા.

3 રંગેહાથ ઝડપાયા અને 2 વોન્ટેડ પોલીસે અંકિત અરવિંદભાઈ માછી (રહે. ગોમતીપુરા, ગાજરાવાડી, વડોદરા), જીતેન્દ્ર ઉર્ફે મનોજ કિશનલાલ કનોજીયા (રહે. ગોકુલનગર, ગોમતીપુરા, ગાજરાવાડી, વડોદરા), વિજય મહેશભાઈ માછી (રહે. દશામાતા મંદિર પાસે, રામ ફળીયા, કિશનવાડી, વડોદરા)ને ઝડપી લીધા હતા. જ્યારે અરૂણ કહાર (રહે. ગોકુલનગર, ગોમતીપુરા, ગાજરાવાડી, વડોદરા) અને અલ્પેશ દરજી (રહે. ગોકુલનગર, ગોમતીપુરા, ગાજરાવાડી, વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યા છે.