મોરબીમાંથી એક ચોંકાવનારી ઘટના બનવા પામી હતી જેમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા એક યુવાને રક્ષાબંધનના દિવસે જીવન ટૂંકાવ્યુ હતું. મૃતકની ઓળખ અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ જાડેજા તરીકે થઈ છે. તેઓ ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળતા હતા. ઘટનાને લઈને પરિવારજનોએ વ્યાજના પૈસાની ઉઘરાણી અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે.
અમૃતસિંહ જાડેજા ચરાડવા ગામે ચા-નાસ્તાની હોટલ ચલાવતા હતા. ધંધો બરાબર ન ચાલતા તેઓ નાણાકીય મુશ્કેલીમાં મુકાયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના ભાગીદાર મયુર ચૌહાણ અને યુવરાજ ઉર્ફે લાલા ખવાસ પાસેથી કુલ રૂ. ૩.૨૫ લાખ ૭ ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ નાણાંની ચુકવણી અને વ્યાજને લઈને વિવાદ ઊભો થયો હતો.
પરિવારજનોનો આક્ષેપ છે કે અમૃતસિંહ દ્વારા વ્યાજની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં આરોપીઓ તેમની બલેનો કાર લઈ ગયા હતા. કાર લઈ ગયા બાદ પણ નાણાંની પરત ચુકવણી માટે ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હોવાનો આક્ષેપ છે. સતત ઉઘરાણી અને કથિત માનસિક ત્રાસથી કંટાળીને અમૃતસિંહે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારનો દાવો છે.
ઘટના બાદ મૃતકની પત્નીએ મયુર ડોડીયા અને યુવરાજ ઉર્ફે લાલા નામના બે શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે બંનેની ધરપકડ કરી છે. સાથે જ મૃતકની બલેનો કાર પણ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવી છે.
આ ઘટનામાં મોરબી પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હોવાની માહિતી સામે આવી છે. આ નોટમાં ઉલ્લેખિત વિગતોના આધારે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પરિવારજનોનો વધુ એક આક્ષેપ છે કે સુસાઈડ નોટમાં એક મહિલાનું નામ પણ આરોપી તરીકે આપવામાં આવ્યું છે. જાેકે, આ અંગે પોલીસે હજુ સુધી કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.
મોરબીની આ ઘટનામાં વ્યાજે લીધેલા નાણાં, કથિત ઉઘરાણી, બલેનો કાર અને માનસિક ત્રાસના આક્ષેપો વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ માટે મૃતકની પત્નીની ફરિયાદ, સુસાઈડ નોટ અને આરોપીઓ સાથેની નાણાકીય લેવડદેવડની કડીઓ જાેડીને સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવી મહત્વપૂર્ણ બની છે. હાલ બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ ચાલી રહી છે.

