જામનગરના પ્રદર્શન મેદાન ખાતે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી યોજાનારા લોકમેળા-2026ના આયોજન સામે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ગંભીર વહીવટી બેદરકારી અને જાહેર સુરક્ષાના મુદ્દે સામાજિક કાર્યકર કલ્પેશભાઈ આશાણી દ્વારા દાખલ કરાયેલા દીવાની મુકદ્દમાની સુનાવણી શનિવારે થઈ હતી. મહાનગરપાલિકા દ્વારા પક્ષ રજૂ કરવાનો બાકી હોવાથી, અદાલતે વધુ સુનાવણી આગામી ૩૧ ઓગસ્ટ (સોમવાર) પર મુલતવી રાખી છે.
આ કેસમાં મુખ્ય મુદ્દો ગેરકાયદે ટેન્ડરિંગનો છે. પ્રાંત અધિકારી (શહેર)ના 1 ઓગસ્ટ 2026ના પત્ર મુજબ, જમીન ફાળવણીની પ્રક્રિયા વહીવટી વિચારણા હેઠળ હતી. તેમ છતાં, જામનગર મહાનગરપાલિકાએ સત્તાવાર જમીન ફાળવણી પહેલાં જ ૩૧ જુલાઈના રોજ ટેન્ડર બહાર પાડી વેપારીઓ પાસેથી લાખો રૂપિયા એકત્ર કરી લીધા હોવાનો આરોપ છે.
મેળાના આયોજનને કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ ઉઠાવવામાં આવી છે. લાલ બંગલોથી સાત રસ્તા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરવાની સત્તા પાલિકા પાસે નથી. પૂરતી પાર્કિંગ વ્યવસ્થા કે ટ્રાફિક પોલીસ/કલેક્ટરની મંજૂરી વિના રસ્તો બંધ કરવાથી કટોકટીના સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા વાહનો ફસાઈ જવાનો ભય વ્યક્ત કરાયો છે.
સુરક્ષા અને જનજીવન પરના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રદર્શન મેદાનના 30% ભાગમાં એસ.ટી. બસ ડેપો કાર્યરત છે. બાકીની સાંકડી જગ્યામાં ૨૦૨૪ની ગવર્નમેન્ટ રાઇડ્સ સેફ્ટી SOPનું પાલન કરવું અશક્ય હોવાનું જણાવાયું છે. નજીકમાં જજીસ બંગલો, શાળાઓ અને કોર્ટ આવેલી હોવાથી આ આયોજન જાહેર જનતા માટે જોખમી બની શકે છે.

