Gujarat

જોગવડ ગામની સીમમાં જુગારધામ પર દરોડો

રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જોગવડ ગામની સીમમાં પોલીસે દરોડો પાડ્યો હતો. લાલપુર તાલુકાના જોગવડ ગામે વાડીના ઓરડામાં ચાલી રહેલા તીનપત્તીના જુગારધામ પરથી પોલીસે 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પીએસઆઈ સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે આ સફળ કામગીરી હાથ ધરી હતી.

પોલીસે દરોડા દરમિયાન સુમાત ગોજીયાની વાડીમાંથી જુગાર રમતાં શખ્સો પાસેથી ₹2,33,700 ની રોકડ રકમ, 2 કાર, 2 મોટરસાયકલ અને 9 મોબાઈલ ફોન મળી કુલ ₹15,63,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં સુમાત ગોજીયા, નીલેન વાધેલા, નરેશ બંધીયા, પીયુષ બડીયાવદરા, જયદીપ રામાવત, રાજેશ કરંગીયા, વલ્લભ કરમુર, ભરત કરંગીયા, ઉમેદસીંહ ચુડાસમા અને પાલા કરમુરનો સમાવેશ થાય છે.