Gujarat

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ગુજરાતની મુલાકાતે

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજથી બે દિવસ એટલે કે, 10 અને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના બૂથ લેવલ ઓફિસર્સ (BLO), ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC)ના સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સાબરમતી આશ્રમથી પ્રવાસની શરૂઆત મુખ્ય ચૂંટણી કમિશનર આજે 10 સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પ્રવાસની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ અડાલજની વાવની મુલાકાત લઈ રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવશે. સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન પરિસરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ‘ભારતમાં ચૂંટણીઓનું સંચાલન – વિશ્વની સૌથી મોટી લોકશાહી’ વિષય પર સંવાદ કરશે.

500થી વધુ BLO સાથે સીધો સંવાદ મુલાકાતના બીજા દિવસે, 11 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે રાજ્યભરમાંથી આવેલા 500થી વધુ BLO સાથે મુખ્ય ચૂંટણી કમિશનર સંવાદ કરશે. મતદાર યાદી તૈયાર કરવા સહિત ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કામાં BLOની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવાના મુદ્દાઓ પર ચર્ચા થશે.