ડભોઇ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા માટે રાત્રિના સમયે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિ દરમિયાન જાહેરમાં કચરો ફેંકતા પાણીપુરી અને ઠંડા પીણાના ચાર વેપારીઓને રંગેહાથ ઝડપી દંડ ફટકારવામાં આવ્યો હતો.નગરપાલિકાને ખાણી-પીણીની લારીઓ અને સ્ટોલ સંચાલકો દ્વારા રાત્રિના સમયે જાહેર રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં કચરો, પ્લાસ્ટિકના ગ્લાસ અને અન્ય કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને પગલે નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું હતું.
સેનિટરી ચેરમેન પ્રકાશભાઈ વસાવા અને નગરપાલિકાના સ્ટાફે રાત્રિના સમયે અચાનક વિઝિટ કરી હતી. આ દરમિયાન જાહેરમાં ગંદકી કરતા ત્રણ પાણીપુરી અને ઠંડા પીણાના વેપારીઓને સ્થળ પર જ દંડ કરવામાં આવ્યો હતો.
આજે વહેલી સવારે પણ એક વેપારીને દંડ ફટકારવામાં આવ્યો, આમ કુલ ચાર વેપારીઓ સામે કાર્યવાહી થઈ.નગરપાલિકાની આ રાત્રિ કાર્યવાહીથી જાહેરમાં કચરો ફેંકવાની ટેવ ધરાવતા લારી-ગલ્લા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વેપાર કરવાની છૂટ છે, પરંતુ જાહેર રસ્તા, ફૂટપાથ કે આસપાસના વિસ્તારમાં કચરો ફેંકવાની કોઈ છૂટ નહીં મળે.

