જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં વધતા ટ્રાફિક ભારણને હળવું કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવાની કામગીરીના પ્રથમ તબક્કા માટે રૂ.20 કરોડની મંજૂરી આપી છે. આ બાયપાસ બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડશે.
સ્થાનિકોની રજૂઆત બાદ સરકારનો નિર્ણય વિસાવદરના સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનોએ શહેરમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બાયપાસ રોડ બનાવવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપીને માર્ગ અને મકાન વિભાગને પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ.20 કરોડ મંજૂર કર્યા છે.
જમીન સંપાદન અને DPRની કામગીરી હાથ ધરાશે મંજૂર થયેલી રકમનો ઉપયોગ બાયપાસના બાંધકામ પહેલાંની જરૂરી કામગીરી માટે કરવામાં આવશે. જેમાં જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ તેમજ ડીપીઆર (DPR) તૈયાર કરવા સહિતની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બાયપાસના બાંધકામ માટેનો માર્ગ વધુ મોકળો બનશે.
અનેક મહત્વના માર્ગો વિસાવદરમાંથી પસાર થાય છે વિસાવદર મહત્વના માર્ગોના જોડાણનું કેન્દ્ર હોવાથી શહેરમાં સતત વાહનવ્યવહાર રહે છે. અમરેલીથી સોમનાથ જતો મુખ્ય માર્ગ વિસાવદર થઈને પસાર થાય છે. આ ઉપરાંત બગસરા, જેતપુર, ધારી અને સાવરકુંડલા તરફના માર્ગો તેમજ વિસાવદર-સતાધાર, વિસાવદર-જુનાગઢ, મેંદરડા અને કેશોદ તરફના સ્ટેટ હાઇવે પણ શહેરમાંથી પસાર થાય છે. જેના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધે છે.

