Gujarat

અદાણી શાંતીગ્રામમાં સાયબર ઠગોનો આતંક

ગાંધીનગરના અદાણી શાંતીગ્રામમાં ઘરઘાટી મહિલાનું 13 રુપિયા ભરીને ગેસ બિલ અપડેટ કરવાના બહાને વિશ્વાસ સંપાદન કરી ભેજાબાજોએ મહિલા અને તેમના પતિના એક્સિસ બેંકના સંયુક્ત ખાતામાંથી એક ઝાટકે રૂ. 4.50 લાખની રકમ ઉપાડી લઈ ઠગાઈ આચરવામાં આવતા અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના અદાણી શાંતીગ્રામના વોટરલીલી એપાર્ટમેન્ટમાં મકાન નંબર બી/3-502માં રહેતા શૈલીબેન મયુરભાઈ શાહના ઘરે ગત 8 સપ્ટેમ્બરના રોજ બપોરે ઘરઘાટી હિના દંતાણી નામની મહિલા કામ કરવા આવી હતી.

તે દરમિયાન હિનાના મોબાઇલ નંબર પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં ગેસનું બિલ બાકી હોવાનું જણાવી ગેરમાર્ગે દોરવામાં આવી હતી. ફોન કરનાર ગઠિયાએ હિનાને જણાવ્યું હતું કે, ગેસ એજન્સીના મેસેજ ચાર્જ પેટે માત્ર 13 રૂપિયા ભરવાના બાકી છે અને તે ચૂકવવા માટે તેના ફોન પર એક APK ફાઇલ મોકલવામાં આવી છે.

આથી તેણે વોટ્સએપ પર આવેલી ફાઇલ ખોલીને પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર તેમના ફોનમાંથી રૂપિયા ભરાયા નહોતા. જે બાબતે તેણે ઘર માલિક શૈલીબેનને વાત કરી હતી. ઘરે કામ કરતી મહિલાનું ગેસ કનેક્શન અચાનક બંધ થઈ જવાની ચિંતા રાખી શૈલીબેન શાહે મધ્યસ્થી કરી હતી. ઠગોએ શૈલીબેનને પોતાના મોબાઈલમાંથી પ્રક્રિયા કરવાનું કહ્યું હતું.