જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત 11 દિવસીય શ્રાવણી લોકમેળો અમાસના અંતિમ દિવસે પૂરો થયો. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ મેળામાં 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.
શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસે સવારથી જ આસપાસના ગામડાંના લોકો મેળામાં ઉમટી પડ્યા હતા. બપોરના તડકા છતાં શહેરીજનોનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. સાંજ પડતાં જ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભારે ભીડ જોવા મળી હતી.
લોકોએ મનોરંજન રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ અને રમકડાંની ખરીદી કરી હતી. મોડી રાત સુધી લોકોએ મેળાની છેલ્લી ઘડીઓનો આનંદ માણ્યો હતો.
લોકો સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે ખાસ વ્યવસ્થા કરી હતી. આખો મેળો સીસીટીવી નેટવર્કથી સજ્જ હતો. કંટ્રોલ રૂમ દ્વારા પોલીસ સતત નજર રાખી રહી હતી.

કોઈપણ અકસ્માત કે આગની ઘટનાને પહોંચી વળવા ફાયર બ્રિગેડની ટીમ તૈયાર રાખવામાં આવી હતી. મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે મેદાનમાં વિશેષ કેમ્પ અને ટેન્ટ ઊભા કરી નાગરિકોને જરૂરી મદદ પૂરી પાડી હતી.

