જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં ચેક રિટર્ન, સમાધાનપાત્ર ફોજદારી ગુનાઓ, સામાન્ય મારામારી, વૈવાહિક વિવાદો તેમજ દીવાની દાવાઓ સહિતના વિવિધ પ્રકારના અનેક કેસોને ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોક અદાલતના માધ્યમથી અરજદારો અને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થાય તે માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ લોક અદાલત દરમિયાન એક અત્યંત નોંધનીય અને મહત્વપૂર્ણ ઘટના સામે આવી હતી, જેમાં એક મોટર અકસ્માત વળતર કેસમાં અરજદાર પક્ષ અને વીમા કંપની વચ્ચે સુખદ સમાધાન સધાયું હતું.

આ સમાધાનના અંતે મૃતકના આશ્રિતો અને વારસદારોને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કુલ ₹60 લાખનો ચેક વળતર સ્વરૂપે સોંપવામાં આવ્યો હતો. જોકે આર્થિક વળતર સ્વજન ગુમાવનાર પરિવારની ખોટ ક્યારેય પૂરી કરી શકતું નથી, પરંતુ આ રકમથી મૃતકના પરિવારના આશ્રિતોને ભવિષ્યના જીવનનિર્વાહ અને આગળની પ્રગતિ માટે આર્થિક ટેકો ચોક્કસપણે મળી રહેશે.
આ સમગ્ર આયોજન અંગે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના સેક્રેટરી ડી. કે. ચંદાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢના ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં નેશનલ લોક અદાલતનું સુંદર આયોજન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે આજના દિવસે યોજાયેલી લોક અદાલતમાં ચેક રિટર્ન, લગ્નજીવન સંબંધિત વિવાદો, સામાન્ય મારામારી, સિવિલ દાવાઓ અને સમાધાન યોગ્ય ગુનાઓ જેવા અસંખ્ય કેસો નિપટારા માટે મૂકવામાં આવ્યા હતા.

