પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ હાલોલ, કાલોલ અને જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ હતી, જેના પગલે સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
પાવાગઢ ડુંગરના પગથિયાં પરથી વહ્યા પાણીના વહેણ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ભારે પવન અને ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે ડુંગરના પગથિયાં પરથી પાણી ધસમસતા ધોધની જેમ વહેવા લાગ્યા હતા. ચારે તરફ છવાયેલું ધુમ્મસભર્યું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય ખીલી ઊઠતાં અહીં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠ્યા હતા.
સુકાતા પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર લાંબા સમય બાદ વરસેલા આ વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા એક મહિનાથી વરસાદ ગાયબ રહેતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ આ વરસાદી છાંટણાથી ઊભા પાકને જરૂરી ભેજ મળી રહેતાં ખેતી માટે મોટી રાહત સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આશા કિસાન આલમ રાખી રહ્યું છે.

