Gujarat

હાલોલમાં આગામી ગણેશોત્સવ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું

હાલોલમાં આગામી ગણેશ ઉત્સવ અને વિસર્જન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.તાજેતરમાં ગણેશ આગમન વેળાએ બનેલી ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ફૂટ પેટ્રોલિંગ બાદ હાલોલ રૂરલ પોલીસ મથકે વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને જાહેર જનતાને અગવડ ન પડે તે અંગે માર્ગદર્શન અપાયું હતું.ખાસ કરીને ડીજે અને સાઉન્ડ સિસ્ટમના નિયમોનું પાલન કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. અને નીતિ-નિયમો કે ધ્વનિ પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના કડક પગલાં લેવાશે.

નિયમ તોડનાર ડીજે સંચાલક ઉપરાંત સંબંધિત ગણેશ મંડળના આયોજક/સંયોજક સામે પણ ગુનો નોંધવામાં આવશે. ગણેશોત્સવ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાય તે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ ગણેશ મંડળો પોલીસ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.