Gujarat

દહેગામમાં ગણેશ ચતુર્થીનો ઉત્સાહ, મૂર્તિ બજારમાં તેજી

દહેગામ શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવારને કારણે ચારેય બાજુ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ તહેવાર આવતા સ્થાનિક બજારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ ઝડપી બન્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને એસ.ટી. સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં નાની લારીઓથી લઈને મોટા સ્ટોલ સુધી ઘણી પ્રકારની મૂર્તિઓ વેચાણ માટે તૈયાર છે, જે ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ વર્ષે બજારમાં ઘણી ડિઝાઇન અને કારીગરીવાળી મૂર્તિઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને બોમ્બે ટ્રેડની મૂર્તિઓ તેમના નેચરલ કલર, ચહેરા પરના સુંદર હાવભાવ અને માથા પરની પાઘડી માટે ખાસ પસંદ કરાઈ રહી છે. કલકત્તા ટ્રેડની મૂર્તિઓ તેમના ખૂબ આકર્ષક અને રંગબેરંગી કલરકામથી બધાનું ધ્યાન ખેંચી રહી છે.

આ ઉપરાંત, કાળી માટીની હાથ બનાવટની સાદી મૂર્તિઓ તેમજ પીઓપી (પ્લાસ્ટિક ઓફ પેરિસ) ની અલગ-અલગ ડિઝાઇન અને કદની મૂર્તિઓ પણ બજારમાં વેચાઈ રહી છે. ગ્રાહકોની સુવિધા માટે આ મૂર્તિઓ 50 રૂપિયાથી શરૂ કરીને 15,000 રૂપિયા સુધીની મોટી કિંમત શ્રેણીમાં ઉપલબ્ધ છે.

દહેગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ ચતુર્થીની ઉજવણીનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. શહેરની અલગ-અલગ સોસાયટીઓ અને મહોલ્લાઓમાં સામૂહિક રીતે ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા હવે દિવસેને દિવસે મજબૂત બની રહી છે.તહેવારના છેલ્લા દિવસે એટલે કે વિસર્જન સમયે ભક્તિ અને ઉત્સાહ સાથે ડીજેના તાલે ગણેશજીને મોટી વિદાય આપવામાં આવે છે. આમાં યુવા વર્ગનો ઉત્સાહ જોવાલાયક હોય છે.