National

સુપ્રીમ કોર્ટ હિન્દી સારાંશ અને ઓડિયો-વિડિયો બુલેટિન ઉપલબ્ધ કરાવશે

સુપ્રીમ કોર્ટે સોમવારે હિન્દીમાં નવી જાહેર માહિતી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા હેઠળ, પસંદગીના મહત્વપૂર્ણ ચુકાદાઓ અને આદેશોના સરળ હિન્દી સારાંશ તેમજ મુખ્ય ર્નિણયોની સમજ આપતા ૧૫-૩૦ મિનિટના દૈનિક ઓડિયો અને વિડિયો બુલેટિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હિન્દી દિવસ નિમિત્તે જાહેર કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ર્નિણયો અને તેની અસરોને સામાન્ય નાગરિકો અને કેસ લડતા પક્ષકારો માટે વધુ સુલભ બનાવવાનો છે, ખાસ કરીને એવા લોકો માટે જેમને લાંબા કાનૂની દસ્તાવેજાે વાંચવા કે સમજવા મુશ્કેલ લાગે છે.

એક પ્રેસ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આ હિન્દી સેવા શરૂ કરવામાં આવશે. દરેક સારાંશ સાથે સંબંધિત અધિકૃત ચુકાદા અથવા આદેશની લિંક પણ આપવામાં આવશે, જેથી વપરાશકર્તાઓ કોર્ટના મૂળ દસ્તાવેજ સુધી પહોંચી શકે.

ઓડિયો અને વિડિયો બુલેટિનનો હેતુ મહત્વપૂર્ણ ર્નિણયો, તેની અસરો અને તેમાંથી ઉદ્ભવતી આગળની કાર્યવાહીને સમજવા માટેનું વધુ સરળ માધ્યમ પૂરું પાડવાનો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પહેલથી દિવ્યાંગ વ્યક્તિઓને પણ લાભ થશે.

આ સેવા શરૂઆતમાં હિન્દીમાં ઉપલબ્ધ થશે અને કોર્ટ તેને તબક્કાવાર અન્ય ભારતીય ભાષાઓમાં પણ વિસ્તારવાની યોજના ધરાવે છે. આ પગલાનો ઉદ્દેશ્ય વિવિધ ભાષી વિસ્તારોના નાગરિકોને સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ર્નિણયો વિશેની સંક્ષિપ્ત માહિતી તેમની પરિચિત ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાનો છે.

નિવેદનમાં એમ પણ ઉમેરવામાં આવ્યું હતું કે આ પહેલનો હેતુ ભારતીય ભાષાઓ પ્રત્યેની માન્યતા અને આદરને ન્યાયિક જાહેર માહિતી સાથે જાેડવાનો તેમજ ન્યાય સુધીની પહોંચને વધુ સુલભ બનાવવાના વ્યાપક ઉદ્દેશ્યને આગળ વધારવાનો છે.