જામનગર નજીકના દરેડ ગામે શનિવારે સવારે બનેલી સગીરની સનસનાટીભરી હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દરેડમાં રહેતા 17 વર્ષીય સાગર રમેશભાઈ ખરા નામના કિશોરને ગામની જ એક સગીરા સાથે પ્રેમસંબંધ હોય, જે અંગેની સંબંધી આરોપીઓને જાણ થઈ ગઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ સગીરાના મોબાઈલ ફોનમાંથી સાગરને મેસેજ કરી સવારે આશરે નવ વાગ્યે ઘરે બોલાવ્યો હતો. સાગર પ્રેમિકાને મળવા પહોંચતા જ ચાર શખ્સોએ તેને પકડીને ઘરના ઉપરના માળે લઈ જઈ ધોકા વડે બેફામ માર માર્યો હતો.
ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ તેને ઘરમાંથી ઢસડીને શેરીમાં ફેંકી દેવાયો હતો. 108ની ટીમે પહોંચી તપાસ કરતા સાગરનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ પીયુષ ખરાની ફરિયાદના આધારે પીઆઈ વી.જે. રાઠોડ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ ચારેય આરોપીઓ દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદિશ જેઠાભાઈ ગોહીલ, રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભિ અગ્રાવતની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ધોકા સહિતનો મુદામાલ કબજે કરીને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

