Gujarat

હિરણ-1માં 2.5, હિરણ-2માં 5.5 ઇંચ વરસાદ, આંબાકુઇ નદીમાં પૂર; તાલાલા-ખીરધારનો રસ્તો બંધ

ગીર પંથકમાં આજે મેઘરાજાએ હેત વરસાવતા સવારથી જ સમયાંતરે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. તાલાલાના ઉમરેઠી ગામે આવેલા હિરણ-2 ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ખીરધાર-ધણેજ ગામ પાસેથી વહેતી આંબાકુઇ નદીમાં પૂર આવ્યું હતું.

જેના કારણે તાલાલા-ખીરધારનો રસ્તો બંધ થઈ ગયો હતો. હિરણ-2 ડેમમાં પોણો ફૂટ નવા પાણીની આવક થઈ છે. ગીર જંગલમાં વરસાદને લીધે માધુપુર-જાંબુર ગામેથી નીકળતી ખાલી પડેલ સરસ્વતી નદીમાં નવા નીર આવતા નદી વહેતી થઈ છે, જેને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા છે,

આંબાકુઇ નદીમાં આવેલા પૂરના પાણી ગલીયાવાડ ગામ નજીકથી હિરણ નદીમાં ભળીને હિરણ-2 ડેમમાં પહોંચશે. જેના પગલે ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. બીજી તરફ સાસણ સહિત ગીર જંગલ વિસ્તારમાં પણ સવારથી સચરાચર વરસાદ વરસી રહ્યો છે. હિરણ-1 કમલેશ્વર ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગીરના અનેક ગામોમાં ચાર ઇંચ સુધી વરસાદ ગીર પંથકના ઘુશિયા, માલજીંજવા, ઉમરેઠી, પીપળવા, આંબળાશ, ગુંદરણ, બોરવાવ, ધાવા, વીરપુર, ગલીયાવાડ, રમરેચી, જેપુર, ખીરધાર અને ધણેજ સહિતના ગામોમાં આશરે 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે આંકોલવાડી પંથકના ગામોમાં પણ આશરે 3 ઇંચ વરસાદ નોંધાયો છે.