Gujarat

તાલાલામાં ભૂકંપથી સુરક્ષા માટે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ એક કાર્યશાળા યોજાઈ. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેનું આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં ભૂકંપ સામે સુરક્ષા, પૂર્વતૈયારી અને જોખમ મૂલ્યાંકન વિશે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના નેતૃત્વની ઉજવણી માટે આ કાર્યશાળા યોજાઈ છે. તેનાથી તાલાલા અને આસપાસના લોકોને ભૂકંપ સામે જાગૃત થવા અને આપત્તિનો સામનો કરવા માર્ગદર્શન મળશે.

સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મહાનિર્દેશક દિગ્વિજયસિંહ જાડેજાએ સંસ્થાની સ્થાપનાનો હેતુ સમજાવ્યો. તેમણે કહ્યું કે, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના ભુજ ભૂકંપે ઘણી તબાહી મચાવી હતી. તેમાંથી પ્રેરણા લઈને ભવિષ્યમાં આવા ભૂકંપ આવે તો તેની અગાઉથી જાણકારી મળે તે માટે સંસ્થા બનાવાઈ. આનાથી ભૂકંપની અસર ઘટાડી શકાય છે.

આ સંસ્થા ધરતીકંપ સંશોધનમાં દેશભરમાં આગળ છે. હાલમાં ગુજરાતમાં તેના ૧૧૦થી વધુ નિરીક્ષણ કેન્દ્રોનું નેટવર્ક કામ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કુલ ૧૭ સ્ટેશનો છે, જેમાંથી ૧૬ ઓનલાઈન છે. ગીર સોમનાથના ચિત્રાવળ અને ઉનાના સ્ટેશનો પણ તેમાં સામેલ છે.

તાલાલા અને ગીર સોમનાથ વિસ્તારમાં વારંવાર આવતા નાના આંચકા (અર્થક્વેક સ્વાર્મ) અંગે નાગરિકોએ ગભરાવું નહીં. અફવાઓ પર ધ્યાન ન આપવા પણ અપીલ કરવામાં આવી.