જામનગર શહેર સહિત જીલ્લાભરમાં સતત બીજા દિવસે મેઘરાજાનો મુકામ રહયો હતો. સોમવારે પરોઢીયે આગમન બાદ મેઘરાજાએ રાતવાસો કરતા ખાસ કરી જામનગર શહેરમાં મોડી રાત્રે બે કલાકમાં જ ચાર ઇંચ સહિત સાંજ સુધીમાં પોણા ઇંચ પાણી વરસાવી દેતા માર્ગો જળબંબોળ બન્યા હતા.
જામનગર શહેરમાં મૌસમના સરેરાશ વરસાદની સાપેક્ષમાં એક જ રાતમાં લગભગ 17 ટકા વરસાદ વરસી ગયો હતો.જેના પગલે ચાલુ સિઝનના કુલ વરસાદની ટકાવારી 37.35 ટકાએ પહોચી ગઇ છે. જોકે,શહેર સહિત જીલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઘીંગા વરસાદ છતા બપોર સુધી 25 પૈકી એકપણ જળાશયમાં નવા નીરની આવક થવા પામી ન હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
જામનગર શહેરમાં સોમવાર દિવસ દરમિયાન હળવા વરસાદ બાદ મોડી રાત્રે ખાસ કરી બાર વાગ્યા બાદ મેઘરાજાએ આક્રમક મિજાજ ધારણ કર્યો હતો.રાત્રે બે વાગ્યાના સુમારે વિજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તુટી પડયો હતો.જેના પગલે વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ પાણી ઠાલવી દિઘુ હતુ.

