જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામ ખાતે મેઘપર (પડાણા) પોલીસે દરોડો પાડીને ઓડીશાથી મંગાવવામાં આવેલ ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓ ઓડીશાના સપ્લાયર પાસેથી ગાંજો મંગાવીને કાનાલુસમાં ભાડાની ઓરડીમાંથી નાની-નાની ઝીપલોક પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવાની પેરવીમાં હતા, ત્યારે જ ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
કાનાલુસમાં ભાડાની ઓરડીમાં ગાંજાનું છુટક વેંચાણ થતું હોવાની મેઘપર પોલીસ સ્ટેશનના લાખનસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પી.આઈ. એ.એલ. બારસીયાની આગેવાનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
FSL અધિકારી એસ.એચ. ઉપાધ્યાયે સ્થળ પર સાયન્ટિફિક પરીક્ષણ કરી જપ્ત કરાયેલ પદાર્થ ગાંજો હોવાનું પ્રમાણિત કર્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના અજીતસિંહ સુરેન્દ્રસિંહ, વેદપ્રકાશ પ્રમોદકુમાર મીશ્રા અને બિહારના વિશાલ કુમાર સુરેન્દ્રગીરીને ઝડપી લીધા હતા.
તેના કબજામાંથી રૂ.89,750ની કિંમતની 1,795 ગ્રામ ગાંજા સહિતનો રૂ.1,04,750નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આરોપી વેદપ્રકાશ મીશ્રાએ ઓડીશાના અરૂણકુમાર બહેરા પાસેથી રુ. 16,000 માં આ જથ્થો મંગાવ્યો હતો, જેમાંથી રુ. 12,000 ઓનલાઈન ચૂકવાયા હતા. પોલીસે E-Sakshya એપથી વિડિયોગ્રાફી કરી કાનૂની પ્રક્રિયા પૂરી કરી હતી.

