Gujarat

પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના નામે 4 લાખની છેતરપિંડી

પાલીતાણાના હવા મહેલ ક્વાર્ટરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અમીત જાડેજા નામના યુવક સાથે પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂ.4 લાખની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હતી. આ મામલે યુવકે બે શખ્સો સામે વિશ્વાસઘાત અને બનાવટી કાગળો ઊભા કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી.

6 લાખની માગણી કરીને 4 લાખ પડાવ્યા મે 2024માં અમીત પાલીતાણા પોપડા વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રિકની દુકાને બેસવા જતો, દુકાનદાર કિરીટસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રદિપે ‘પોસ્ટ વિભાગમાં નોકરી મારે ઉપર સેટિંગ છે’ તેવી વાત કરી હતી. નોકરી મેળવવા માટે રૂ.6 લાખની માગણી કરી હતી, જેમાંથી રૂ.4 લાખ અગાઉ અને બાકીના રૂ.2 લાખ નોકરી મળ્યા બાદ આપવાનું નક્કી થયું હતું, અમીતભાઇએ વિશ્વાસ મૂકીને કટકે કટકે ઓનલાઇન ગુગલ-પે તથા રોકડા મળી કુલ રૂ.4 લાખ પ્રદિપને ચૂકવી દીધા હતાં.

પોસ્ટ ઓફિસે હાજર થવા ગયો’ને બોગસ એપોઇન્ટમેન્ટનો ખુલાસો થયો જાન્યુઆરી 2025માં પ્રદિપભાઇના કહેવાથી અમીત ભાવનગર પોસ્ટ ઓફિસે ગયો હતો, જ્યાં તેમની મુલાકાત દિહોરના બળદેવભાઇ રમેશભાઇ રાઠોડ સાથે થઈ હતી. બળદેવે અમીતને પોસ્ટ ઓફિસનો એપોઇન્ટમેન્ટ લેટર આપી પાલીતાણા પોસ્ટ ઓફિસ ખાતે હાજર થવા જણાવ્યું હતું.

2 જાન્યુઆરી 2025ના રોજ અમીત પાલીતાણા પોસ્ટ ઓફિસે હાજર થવા જતાં, ત્યાંના અધિકારીઓએ તપાસ કરી આ એપોઇન્ટમેન્ટ લેટર સંપૂર્ણ ખોટો અને બનાવોટી હોવાનું ખુલાસો કર્યો હતો. આ અંગે પ્રદિપભાઇ અને બળદેવભાઇનો સંપર્ક કરતાં તેઓએ ‘હજુ સેટિંગ બાકી છે’ તેમ કહી અમીતભાઇને 10 દિવસ સુધી મોબાઈલ બંધ રાખી બહાર રહેવા જણાવી ગુમરાહ કર્યા હતા.