Gujarat

દગડુશેઠ ગણપતિ મહોત્સવમાં ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા અને રાષ્ટ્રભક્તિની થીમ

શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ આ વર્ષે તેના 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. 8 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ‘એઇટ વન્ડર્સ ગ્રુપ’ દ્વારા 14 થી 25 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે.

આ વર્ષે ગણપતિ બાપ્પાની મૂર્તિ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી અને પ્રદૂષણમુક્ત બનાવાઈ છે. પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતી આ પ્રતિમા કંતાન, સફેદ કાપડ, પૂંઠા, વાંસ, સુતરી અને દોરાનો ઉપયોગ કરીને તૈયાર કરાઈ છે.

તેના નિર્માણમાં દ્વારકા નજીક આવેલા નાગેશ્વરની ગોપી ચંદન માટી, કાળી, સફેદ અને લાલ માટી જેવી કુદરતી સામગ્રીનો પણ ઉપયોગ થયો છે. આ રીતે પર્યાવરણને સહેજ પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રખાયું છે.

મહોત્સવમાં આ વર્ષે રાષ્ટ્રભાવના જાગૃત કરતી ખાસ થીમ તૈયાર કરાઈ છે. તેમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય રમત હોકી, રાષ્ટ્રીય ફળ કેરી અને રાષ્ટ્રીય વૃક્ષ વડલા જેવા વિવિધ રાષ્ટ્રીય પ્રતીકોની કલાત્મક પ્રતિકૃતિઓ જોવા મળશે.

આ ઉપરાંત, 18 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 8 વાગ્યે મહાઆરતીનું આયોજન પણ કરાયું છે.

એઇટ વન્ડર્સ ગ્રુપ અગાઉ પણ અનેક વિશ્વવિક્રમો સ્થાપી ચૂક્યું છે. તેમાં 2012માં 145 કિલોગ્રામની ભાખરી, 2013માં 11,111 લાડુનું નિર્માણ અને 2014માં 51.6 ફૂટ લાંબી અગરબત્તીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, 2015માં ગણેશજીનું ફિંગર પેઇન્ટિંગ અને 2017માં સાત ધાન્યમાંથી તૈયાર કરાયેલો મહાખીચડો પણ તેમના વિક્રમોમાં સામેલ છે.