Gujarat

જામનગરમાં ગણેશ વિસર્જનનો આઠમો દિવસ

જામનગરમાં ગણેશ વિસર્જનનો આજે આઠમો દિવસ હતો. આ દિવસે કુલ 82 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. આ સાથે આઠ દિવસમાં કુલ 3546 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે ખંભાળિયા બાયપાસ અને સરદાર રિવેરા ખાતે વિસર્જન કુંડ તૈયાર કરાયા છે. આજે પણ ગણેશ ભક્તો અને ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપાની મૂર્તિઓનું વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે, આજે આઠમા દિવસે ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં 58 તથા સરદાર રિવેરા વિસર્જન કુંડમાં 24 મળી, બંને કુંડમાં કુલ 82 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું.

ગણેશોત્સવના આઠ દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં કુલ 2766 તથા સરદાર રિવેરા વિસર્જન કુંડમાં કુલ 780 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે. બંને કુંડનો આઠ દિવસનો કુલ આંકડો 3546 મૂર્તિઓનો થયો છે.

ગણેશ ભક્તોએ પોતાના આરાધ્ય દેવ ગણપતિ બાપાને ભક્તિભાવપૂર્વક વિદાય આપી. વિસર્જન દરમિયાન ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી બંને વિસર્જન કુંડના સ્થળો ગણેશમય બની ગયા હતા.