Gujarat

માંડવીમાં પ્લોટ પચાવી પાડવા દીવાલ તોડી પાડતા ફરિયાદ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામના મુળ વતની અને હાલ સુરત ખાતે રહેતા વેપારીના પ્લોટ બાબતે ચાલતી અદાવતમાં JCBથી પ્લોટની પાકી દીવાલ તોડી પાડી આર્થિક નુકસાન પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં વેપારીએ ગારિયાધાર પોલીસ મથકે બે શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

JCBથી પ્લોટની દીવાલ તોડવામાં આવી હોવાનું CCTVમાં કેદ સુરતના અમરોલી ખાતે માણકી રેસીડેન્સીમાં રહેતા અને વેપાર કરતા કમલેશભાઈ ડાયાભાઈ પાલડીયા ઉ.વ.38ના નામે તેમના મૂળ વતન માંડવીમાં નમુના નં.2 અનુ.422 વાળો 334.45 ચો.મી.નો ગામતળ પ્લોટ છે. આ પ્લોટની બાજુમાં કલ્યાણભાઈ કરમશીભાઈ બેલડીયાનો પ્લોટ આવેલો છે.

તેઓ છેલ્લા એકાદ વર્ષથી આ પ્લોટ પોતાના કબજામાં લેવા કમલેશભાઈ પર દબાણ કરી વારંવાર વિવાદ કરતા હતા. દરમિયાન 22 ઓગસ્ટના રોજ રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં કમલેશભાઈ સુરત ખાતે હતા ત્યારે તેમણે પોતાના પ્લોટ પર લગાવેલા CCTV કેમેરાનું લાઈવ ફૂટેજ મોબાઈલમાં જોયું હતું. જેમાં સામે આવ્યું કે, એક JCB મશીનથી પ્લોટની ત્રણેય બાજુની પાકી દીવાલ તોડવામાં આવી રહી હતી.

બે શખસ સામે કમલેશભાઈએ ફરિયાદ નોંધાવી આ અંગે કમલેશભાઈએ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કલ્યાણભાઈ કરમશીભાઈ બેલડીયા તથા ગોરખભાઈ નાનુભાઈ ડેર બંને રહે.માંડવી સાથે મળીને JCBથી આ દીવાલ તોડી પાડી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું, આ ઉપરાંત ગોરખભાઈ ડેરે આ પ્લોટ બાબતે છેલ્લા બે માસમાં કમલેશભાઈને બેથી ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે કમલેશભાઈ પાલડીયાએ કલ્યાણભાઈ બેલડીયા અને ગોરખભાઈ ડેર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.