દર શનિવારે બેંકમાં રજા રાખવાની મુખ્ય માંગણી સાથે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં ગુજરાતના 50 હજાર અને સૌરાષ્ટ્ર-કચ્છના 10 હજાર કર્મચારીઓ જોડાશે, જેના કારણે કરોડો રૂપિયાના બેંકિંગ વ્યવહારો ઠપ્પ થવાની શક્યતા છે. હડતાલને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના આદેશથી રવિવારે રજાના દિવસે પણ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો ચાલુ રાખવામાં આવી હતી.
રાજકોટ મનપાના પૂર્વ મ્યુ. સેક્રેટરી સી.એન.રાણપરાએ જણાવ્યું કે, બેંકની આગામી ત્રણ દિવસની હડતાલ ગેરકાયદેસર છે. આ હડતાળલ વેપારીઓ અને લોકોને હેરાન કરવા માટેની છે. બેંકમાંથી પૈસા ઉપાડવા હોય કે જમા કરાવવા હોય અને પાસબુકમાં એન્ટ્રી પડાવવી હોય તો આ તમામ બાબતો ઓનલાઈન થઈ ગઈ છે, જેથી બેંક કર્મચારીઓ પાસે બહુ કામ જ નથી. મારું તો એવું માનવું છે કે બીજો અને ચોથો શનિવાર જે બેંકમાં રજા હોય છે તે પણ બંધ કરી દેવી જોઈએ અને માત્ર રવિવારે જ રજા આપવી જોઈએ, જેથી નાના લોકો અને વેપારીઓને રાહત થાય.
હડતાલ પાડનારા કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સરકારે કર્મચારીઓ સામે ઝૂકવું ન જોઈએ. રિઝર્વ બેન્કનો આજે રવિવારે બેંક ચાલુ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. ત્રણ દિવસની હડતાલને કારણે એટીએમમાં પૈસા ખૂટી જવાના અને પબ્લિકનું કામકાજ અટકી જવાનું.

