માલીયાસણ ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ કોઠારીયા સોલવન્ટ પાસે નુરાનીપરામાં રહેતા પતિ વિરૂદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ‘મારો દીકરો નહીં આપે તો હું જાનથી મારી નાખીશ’ કહી પતિએ ધમકી આપતાં પરિણીતાએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવ અંગે પરિણીતાની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે પતિ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
10 વર્ષના લગ્નજીવન બાદ ત્રાસ શરૂ થયો રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ ગામે ચાંદની પાનની બાજુમાં રહેતાં રજીયાબેન ઉર્ફે રીઝવાના (ઉં.વ. 35)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામાં રહેતા પતિ સત્તાર ઇબ્રાહિમભાઈ ખેભરનું નામ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના લગ્ન 10 વર્ષ પહેલાં સત્તાર સાથે થયા હતા અને સંતાનમાં સાડા ચાર વર્ષનો એક પુત્ર છે.
પતિ અગાઉ ડ્રાઇવિંગ કરતો હતો પરંતુ હાલ કોઈ કામધંધો કરતો નથી. લગ્નના શરૂઆતના સમય બાદ પતિએ વાતવાતમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. સંસાર ન તૂટે તે માટે લાંબો સમય સહન કર્યા બાદ, અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા ત્રણ મહિના પહેલાં પોતાના દીકરાને લઈને માવતરે આવી ગઈ હતી.

