Gujarat

ભવનાથ તળેટીમાં ટ્રાફિક પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

જૂનાગઢ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા અને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની રજા હોવાથી ગિરનાર ભવનાથ તળેટી વિસ્તારમાં સ્થાનિક નાગરિકો તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક જામ ન સર્જાય તે હેતુથી પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.

બ્લેક ફિલ્મ અને તેજસ્વી LED લાઇટો સામે લાલ આંખ શહેરના અશોક શિલાલેખ અને ભવનાથ તળેટી જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહન ચેકિંગ દરમિયાન કેટલીક ખાનગી ફોર વ્હીલર કાર પર બિનઅધિકૃત રીતે લગાવવામાં આવેલા ‘પોલીસ’ તેમજ ‘PGVCL’ લખેલા રોફ મારતા બોર્ડ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમ વિરુદ્ધ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ અને સામે આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય તેવી તેજસ્વી LED લાઇટો લગાવનારા વાહનચાલકો સામે પણ કડક હાથે પગલાં લેવામાં આવ્યા હતા.