Gujarat

બેંક કર્મચારીના સ્વાંગમાં 65 લાખનું મોટું કૌભાંડ

બેંકમાં નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપી, ઇન્વેસ્ટમેન્ટના બહાને મિત્રતા કેળવીને નિર્દોષ લોકોને નિશાન બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. ભોગ બનનારના નામે લાખો રૂપિયાની પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ કઢાવી, તેના હપ્તા અને બિલ પોતે જ ભરશે તેવી લાલચ આપીને કુલ 65 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગંભીર આર્થિક ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મુખ્ય આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મિત્રતાની જાળ બિછાવી, ત્રણ લોકોના નામે લોન લીધી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સાગર માધવજીભાઈ સુતરીયા અને તેના ભાઈ ચિંતને જાન્યુઆરી 2021 થી મે 2024 દરમિયાન આ ગુનાહિત કાવતરું રચ્યું હતું. બન્ને ભાઈઓએ રમેશભાઈ સોડવડીયા, વિરેન માલવીયા અને નિરજ કયાડા સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ, સારા ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી તેમના નામે અલગ અલગ બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન લીધી હતી.આરોપીઓએ રમેશભાઈના 25 લાખ, વિરેનના 34.85 લાખ અને નિરજના 5.88 લાખ મળી કુલ રૂ. 65,75,477 ની રકમ પોતાના ખિસ્સામાં સેરવી લીધી હતી અને રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરી હતી.

અન્ય રાજ્યોમાં નાસતો ફરતો આરોપી બાતમીથી ઝડપાયો કાપોદ્રામાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયા બાદ મુખ્ય આરોપી સાગર સુતરીયા મુંબઈ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અલગ અલગ રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો. હાલમાં થોડા દિવસ પહેલા જ તે સુરત આવ્યો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને સહારા દરવાજા, નવાબની વાડી નજીકથી મૂળ અમરેલીના ધારીના અને હાલ મોટા વરાછામાં રહેતા 31 વર્ષીય સાગર સુતરીયાને દબોચી લીધો હતો. હાલ પોલીસે આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.