Gujarat

મનપાના નિવૃત કર્મચારીના બેંક ખાતામાંથી 1 લાખ ઉપડી ગયા

ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગના નિવૃત કર્મચારીના મોબાઈલમાં સોશિયલ મીડિયા મારફતે અજાણ્યા શખસે એપીકે (APK) ફાઈલ મોકલીને તેમનો ફોન હેંગ કરી દીધો હતો. ફાઈલ ઈન્સ્ટોલ થતાની સાથે જ બેંક ખાતામાંથી ઓનલાઈન રૂ. 99,999 અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. છેતરપિંડીના આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

એપીકે ફાઈલથી મોબાઈલ હેક અને છેતરપિંડી ભાવનગરના લીલા ઉડાન પાછળ વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા 60 વર્ષીય BMCના નિવૃત સિનિયર ક્લાર્ક કમલેશભાઈ અમરસંગભાઈ મોરીના મોબાઈલમાં 27 સપ્ટેમ્બરે અજાણ્યા શખસે એપીકે ફાઈલ મોકલી હતી.

આ ફાઈલ ડાઉનલોડ કરતાં જ ફોન ઓટોમેટિક રિસેટ થઈ ગયો હતો. 20 મિનિટ બાદ મોબાઈલ ચાલુ કરીને બેંકિંગ એપ્લિકેશનમાં ચકાસણી કરતાં તેમના યુનિયન બેંકના ખાતામાંથી રૂ. 99,999 અન્ય બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને તપાસ અજાણ્યા ઠગબાજે એપીકે ફાઈલના માધ્યમથી મોબાઈલ હેંગ કરી ઓનલાઈન નાણાં તફડાવી લેતાં નિવૃત કર્મચારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે અજાણ્યા શખસ સામે BNS એક્ટ તેમજ આઈટી એક્ટ (IT Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.