Gujarat

મુંબઈમાં ખરાબ હવામાનને કારણે હવાઈ વ્યવહાર ખોરવાયો

આજે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે વિમાની સેવાઓ પર માઠી અસર પહોંચી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરવામાં મુશ્કેલી પડતાં, મુંબઈ તરફ જઈ રહેલી વિવિધ એરલાઇન્સની 4 ફ્લાઇટ્સને સલામતીના કારણોસર વડોદરાના હરણી એરપોર્ટ તરફ ડાયવર્ટ આપવામાં આવી હતી. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, હવામાન સાનુકૂળ ન હોવાથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનોને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સની યાદી

  • AI 2447: હૈદરાબાદથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ
  • AI 599: વિજયવાડાથી મુંબઈ તરફ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ
  • AI 1780: ઈન્દોરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ
  • 6E 329: દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ

અચાનક ફ્લાઇટ્સ વડોદરા ખાતે લેન્ડ થતાં એરપોર્ટ પર મુસાફરોની ચહલપહલ વધી ગઈ હતી. મુંબઈમાં હવામાન સુધર્યા બાદ આ તમામ ફ્લાઇટ્સને પોતાના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવશે. અચાનક ડાયવર્ઝનના કારણે મુસાફરોને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો હતો, જોકે એરપોર્ટ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.