બેચરાજી પોલીસ મથક હેઠળ આવતા પ્રતાપનગર, રાંતેજ, ઇન્દ્રપ અને આકબા ગામની સીમમાં આવેલ ONGC ના જુદા જુદા તેલના કુવાઓ (વેલ) ઉપર અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી મોટી તોડફોડ અને ચોરી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ઓ.એન.જી.સી.ના ડી.જી.એમ. પ્રોડક્શન ઓફિસર અભિજિત મનોરંજન ગજેન્દ્ર નારાયણદાસ કલિતા દ્વારા અજાણ્યા શખ્સો સામે બેચરાજી પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ONGCના કુવાઓ પર તસ્કરો ત્રાટક્યા ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, ગત 14 મે 2026ના રોજ પ્રતાપનગર સીમમાં આવેલ BE-265 નંબરનો વેલ ખરાબ થતાં મેન્ટેનન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં લોખંડની ચેનલ તૂટેલી હાલતમાં મળી આવી હતી.
ત્યારબાદ કંપનીની ટીમે બહુચરાજી વિસ્તારના વિવિધ સીમ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. 14 મે 2026 થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન થયેલી તપાસમાં માલૂમ પડ્યું હતું કે અજાણ્યા તસ્કરોએ વેલ નંબર BE-122, BE-265, BE-266, BE-79, BE-182, BE-97, BE-148 અને BE-4 પર ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.
તોડફોડ કરીને 3.36 લાખની ચોરી કરી તસ્કરોએ આ વેલ સાઇટ્સ પરથી સાઇડો ઉપરના બેલ્ટ, વી.એફ.ડી. પેનલબોર્ડ, નટબોલ્ટ, લોખંડની ચેનલ, મોટરફુલી, ગીયર ઓઇલ તથા વાયરીંગને ભારે નુકસાન પહોંચાડી તોડફોડ કરી હતી. આ તમામ સરસામાન અને ચોરીના કારણે કંપનીને આશરે રૂ. 3,36,000 (ત્રણ લાખ છત્રીસ હજાર)નું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

