Gujarat

કોઠારા-ભેદીમાં 400 એકર ગૌચર જમીન પરથી દબાણ દૂર

અબડાસા તાલુકાના સીમાવર્તી વિસ્તારમાં ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોઠારા અને ભેદી ગામની સીમમાં આવેલી સરકારી ગૌચર જમીન પર ખેતીના હેતુથી કરવામાં આવેલા દબાણો દૂર કરી અંદાજે 400 એકર જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. સરકારી તંત્રના જણાવ્યા મુજબ આ જમીનની અંદાજિત કિંમત ₹1 કરોડ 20 લાખ જેટલી થાય છે.

પશ્ચિમ કચ્છ પોલીસના જણાવ્યા અનુસાર સરહદી વિસ્તારની સુરક્ષા તેમજ સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજાઓને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નલિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.

કોઠારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાડા સહિતના પોલીસ સ્ટાફે કોઠારા ગ્રામ પંચાયત અને અબડાસા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરીને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી સર્વે નંબર 871, 872, 873, 945, 946 અને 947 પૈકીની જમીનમાં ખેતી માટે કરવામાં આવેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.