Gujarat

ભાવનગરમાં હેકાથોન, ROBOFEST-GUJARAT 6.0 આજથી 9 ઓક્ટોબર સુધી

ભાવનગરનું રીજનલ સાયન્સ સેન્ટર ખાતે રોબોટિક્સ અને ઇનોવેશનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ROBOFEST-GUJARAT 6.0 – “Engineering the Future” અંતર્ગત AI-Powered Robotics Innovation Challenge – Hackathonનું આયોજન 6થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન ભાવનગરમાં સૌપ્રથમ વખત થયું છે.

36 કલાકની હેકાથોન યોજાશે આ અંગે ગુજકોસ્ટના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આઈડીયેશન સ્ટેજ બાદ 52 ટીમોની પસંદગી કરવામાં આવી છે, જે ભાવનગર ખાતે યોજાનારી 36 કલાકની હેકાથોનમાં પોતાના નવીન વિચારોને કાર્યરત ટેકનોલોજી સોલ્યુશનમાં રૂપાંતરિત કરશે. ટીમો રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ તથા ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાસ્તવિક સામાજિક પડકારોના ઉકેલો વિકસાવશે., આ હેકાથોન માત્ર સ્પર્ધા પૂરતી મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓને ડિઝાઇન, નિર્માણ, પરીક્ષણ, સુધારણા અને કાર્યરત સોલ્યુશનના પ્રદર્શનનો પ્રાયોગિક અનુભવ આપશે. મેન્ટર્સ અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટીમો તેમના પ્રોજેક્ટની ટેકનિકલ શક્યતા, નવીનતા, વ્યવહારિક ઉપયોગિતા અને વિસ્તરણક્ષમતા પર કામ કરશે.

480 ટીમની નોંધણી, 100થી વધુ આઈડિયેશન રજૂ હેકાથોનને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં 480 ટીમોએ નોંધણી કરાવી હતી અને 100થી વધુ આઇડિયેશન રજૂ કરવામાં આવ્યા હતા.

સઘન મૂલ્યાંકન પ્રક્રિયા બાદ મુખ્ય હેકાથોન કાર્યક્રમ માટે 52 ઉત્કૃષ્ટ ટીમોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 9 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતી 37 ટીમો તેમજ 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો—મહારાષ્ટ્ર , પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ—માંથી 15 ટીમોનો સમાવેશ થાય છે. દેશભરમાંથી મળેલો આ વૈવિધ્યસભર પ્રતિસાદ રોબોટિક્સ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવા ઇનોવેટર્સની વધતી જતી રુચિને પ્રતિબિંબિત કરે છે તેમજ યુવા-આધારિત નવીનતા અને સામાજિક પડકારોના ટેકનોલોજી આધારિત ઉકેલોને પ્રોત્સાહન આપવા ગુજરાતના પ્રયાસોને ઉજાગર કરે છે..