નડિયાદ
કપડવંજ શહેરમાં ગાંધીચોક વિસ્તારમાં શેઠવાળ બજાર વાડીની બાજુમાં રહેતા ૫૭ વર્ષિય વિધુર ભરતભાઈ ઉર્ફે બાબુભાઈ પરસોત્તમભાઈ મકવાણા પોતાના ૧૧ વર્ષના દિકરા ધાર્મિક સાથે રહે છે. ગત ૨૬મી ડીસેમ્બરના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ ભરત ઉર્ફે બાબુભાઇપોતાના મિત્ર ગૌરાંગ પટેલ સાથે પોલીસ મથકે આવ્યા હતા. આ વખતે ભરતભાઈ ઉર્ફે બાબુભાઈના પુત્ર ધાર્મિકનો ફોન તેઓની પર આવ્યો અને જણાવ્યું કે તમે વહેલા ઘરે આવો આપણાં ઘરમાં કોઈ વ્યક્તિ જબરજસ્તીથી ઘૂસી ગયા છે. અને ગાળાગાળી કરી રહ્યા છે. ભરતભાઈ ઉર્ફે બાબુભાઈ તુરંત પોતાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાના ઘરમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામનો કેતન રમેશચન્દ્ર સોનીને હાજર જાેયો હતો. કેતન પોતે દારૂના નશામાં હોઈ અપશબ્દો બોલી તોફાન કરતો હતો. થોડી વારમાં કેતનની પત્ની નેહા સોની પણ ભરતભાઈ ઉર્ફે બાબુભાઈના ઘરમાંથી બહાર નીકળી અને આ બાદ બન્નેએ બેફામ ગાળો બોલી હતી. આ દંપતિએ ભરતભાઈ ઉર્ફે બાબુભાઈ અને તેમના દિકરાને ગડદાપાટુનો મારમાર્યો હતો. બુમરાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેમાંથી કોઈકે ૧૦૦ નંબર પર જાણ કરતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પડવંજ ટાઉન પોલીસે ભરતભાઈ ઉર્ફે બાબુભાઈ મકવાણાની ફરિયાદના આધારે નશાખોર કેતન સોની અને તેઓની પત્ની નેહા સોની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો સામે પોલીસે પણ દારુડિયા કેતન રમેશચન્દ્ર સોની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે.


