Gujarat

જામનગરની દીકરીએ એરોનોટિકલ એન્જિનિયરિંગ બાદ ગુજરાતનું ગૌરવ વધાર્યું

જામનગરની શિવા નિલેશભાઈ ત્રિવેદી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની છે. તેણે શોર્ટ સર્વિસ કમિશન (ટેકનિકલ) વુમન-67 એન્ટ્રી હેઠળ દેશભરમાં ત્રીજો રેન્ક મેળવ્યો. 21 વર્ષની શિવા 5 ઓક્ટોબરથી બિહારના ગયામાં OTAમાં તાલીમ લઈ રહી છે શિવાએ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું છે. મલ્ટિનેશનલ કંપનીઓની નોકરી ઓફર ઠુકરાવી તેણે દેશસેવા માટે સેનામાં જોડાવાનું પસંદ કર્યું.

તેણે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયમાં અરજી કરી હતી. બેંગલોરમાં થયેલી પસંદગી પ્રક્રિયામાં સાઉથ ઝોનના 268 ઉમેદવારોમાંથી તે અંતિમ ૪માં પ્રથમ રહી. તેને ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટમાં ત્રીજો રેન્ક મળ્યો. શિવાના માતા, સરકારી વકીલ દીનાબેન ત્રિવેદીએ જણાવ્યું કે પરિવારમાં સંઘર્ષ છતાં શિવાએ મહેનતથી આ સિદ્ધિ મેળવી. તેમણે વાલીઓને બાળકોને તેમની રુચિ મુજબ પ્રોત્સાહન આપવા અપીલ કરી.

એનસીસી અને ટેકનિકલ નોલેજે પાયો મજબૂત કર્યો ​શિવાની મોટી બહેને જણાવ્યું કે, શિવાનું લક્ષ્ય હંમેશાં ડિફેન્સ ફોર્સિસમાં ઓફિસર બનવાનું જ રહ્યું હતું. તેણે કોલેજ કાળ દરમિયાન એનસીસી (NCC) એર વિંગમાં રહીને સૉર્ટી ઉડાડવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.