Gujarat

જામનગર-રાજકોટ હાઈવે પર જિલ્લા પંચાયત પ્રમુખની કારે બૂલેટને ઉલાળ્યું

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક બાઈક અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખની સરકારી કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલી મહિલાનું મોત થયું હતું, જ્યારે બાઈકચાલકને ગંભીર ઈજા થઈ હતી.

અકસ્માતમાં ભાનુભાઈ મનુભાઈ કણજારિયા અને તેમનાં પત્ની દયાબેન કણજારિયા ઘાયલ થયા હતા. ગંભીર ઈજાઓને કારણે દયાબેનનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. ભાનુભાઈને ગંભીર હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઘટનાની જાણ થતાં જ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો ધ્રોલની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.

ધ્રોલ પોલીસના હેડ કોન્સ્ટેબલ ચંદુભા જાડેજા ઘટનાસ્થળે અને પછી હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.