Gujarat

કચ્છમાં 108 એમ્બ્યુલન્સે એક મહિનામાં 5479 લોકોને ઈમરજન્સી મદદ પહોંચાડી

કચ્છ જેવા વિશાળ અને ભૌગોલિક રીતે પડકારજનક જિલ્લામાં ઈમરજન્સીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અનેક પરિવારો માટે જીવન બચાવતી કડી બની રહી છે. અકસ્માત, હાર્ટ એટેક, શ્વાસની તકલીફ કે પ્રસૂતિ જેવી ગંભીર પરિસ્થિતિમાં એક ફોન બાદ ગણતરીની મિનિટોમાં દર્દી સુધી પહોંચતી ૧૦૮ સેવા માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જરૂરી પ્રાથમિક સારવાર આપીને દર્દીના જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લામાં ૧૦૮ દ્વારા કુલ ૫૮૫૭ ઈમરજન્સી કેસનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમાં ૫૮૪૦ મેડિકલ ઈમરજન્સી ઉપરાંત પોલીસ સંબંધિત ૧૬ અને આગની એક ઈમરજન્સીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન કુલ ૫૪૭૯ લાભાર્થીઓને સમયસર સહાય મળી હતી. ગંભીર સ્થિતિ ધરાવતા ૬૬૫ જેટલા દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.