ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામની ગંભીર લાપરવાહી અને સુરક્ષાના કાયદાઓના ઉલ્લંઘન સામે સવાલો ઊભા કરતી કરુણ ઘટના સામે આવી છે.
રાંદેસણ ખાતે નિર્માણાધીન ‘સેંડલ વુડ’ નામની સાઇટ પર રાત્રિના સમયે ધાબુ ભરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન 18 વર્ષીય શ્રમિક યુવતી કાજલ માવી છઠ્ઠા માળેથી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતે સમગ્ર પંથકમાં ભારે હચમચ મચાવી દીધી છે અને શ્રમિક વર્ગની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
રાત્રિના અંધારામાં પૂરતી સેફ્ટી કિટ વગર કામ કરાવાતું હતું મૂળ દાહોદ પંથકની વતની અને પરિવાર સાથે મજૂરી કામ માટે ગાંધીનગર આવેલી 18 વર્ષીય કાજલ માવી અન્ય શ્રમિકો સાથે રાત્રિના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરી રહી હતી. સાઇટ પર પૂરતી સેફ્ટી કિટ્સ, લાઈટિંગ કે સુરક્ષાના સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે ધાબુ ભરતી વખતે પગ લપસતાં કે સંતુલન ગુમાવતાં તે સીધી છઠ્ઠા માળેથી નીચે પછડાઈ હતી. ગંભીર ઇજાઓને કારણે યુવતીનું સ્થળ પર જ મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સાઇટ પર શ્રમિકોની સુરક્ષા પ્રત્યે ભારે ગફલત આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

