સુરતના ઉત્રાણ વિસ્તારમાં ધોરણ-10ની 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિની અભ્યાસમાં રસ ન હોવાથી માતા-પિતાએ ધોરણ-10 પાસ કરી લે ત્યારબાદ અભ્યાસ નહીં કરવો હોય તો નહીં કરે તેવી સમજ આપ્યાનું અને આ વાતનું માઠું લાગી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
વિદ્યાર્થિની એ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે, હું મારી મરજીથી આ પગલું ભરું છું, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી, મારા માતા-પિતાને માફ કરજો’. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી છે.
રત્નકલાકારની પુત્રી ધોરણ-10માં અભ્યાસ કરતી હતી મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની અને હાલ ઉત્રાણના શાલીગ્રામ સ્ટેટસમાં રહેતા રમેશભાઈ કથીરિયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેઓ પત્ની, બે પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારનું ભરણપોષણ કરે છે. તેમની 14 વર્ષીય પુત્રી વૃંદા ઘર નજીક આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની શાખા-4માં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. વૃંદા નિત્યક્રમ મુજબ સવારે સ્કૂલે ગઈ હતી અને બપોરે ઘરે પરત આવી હતી.
પંખા સાથે સાલ બાંધી ફાંસો ખાઈ લીધો સાંજના સમયે તે બેડરૂમમાં ગઈ હતી. ત્યાં બેડ પર ચડી પંખા સાથે સાલ બાંધી ફાંસો ખાઈ લેતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. વૃંદાને નીચે ઉતારી સારવાર માટે કારમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ આવે તેનું મોત થયું હતું.

