Gujarat

ખજોદના કચરાના ડુંગરોથી મળશે મુક્તિ

SMC દ્વારા ખજોદ ખાતે આવેલી હાલની સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટને તબક્કાવાર રીતે ઉંભેર ખાતે સ્થળાંતર કરવાની મહત્વકાંક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. આ આયોજનના ભાગરૂપે ઉંભેર ખાતે આકાર લઈ રહેલી નવી સાઇટ સુધી કચરાના ભારે વાહનો કોઈ પણ અવરોધ વિના પહોંચી શકે તે માટે પાલિકા તંત્ર દ્વારા આશરે ₹29 કરોડથી વધુના ખર્ચે પાકા રસ્તાઓ બનાવવાની દિશામાં સત્તાવાર મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ખજોદની સમસ્યાઓનું કાયમી નિવારણ લાવવા ઉંભેર પ્રોજેક્ટ ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ પર વર્ષોથી કચરાના વિશાળ ડુંગરો ખડકાઈ જવાને કારણે સર્જાયેલી પર્યાવરણીય મુશ્કેલીઓના નિવારણ માટે તંત્ર દ્વારા ઉંભેર સાઇટને વહેલી તકે કાર્યરત કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે જિલ્લા કલેક્ટરના હુકમથી ઉંભેરના બ્લોક નં. 197 પૈકીની જમીન પર 3 લાખ ચોરસ મીટર તેમજ ત્યારબાદ બ્લોક નં. 199માં 40 હજારથી વધુ ચોરસ મીટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. હાલ આ જગ્યાએ આધુનિક સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ચોમાસામાં જળબંબાકારથી બચવા નવા પાકા રસ્તાનું આયોજન પ્લાન્ટ સુધી પહોંચવાના હાલના બંને માર્ગો નીચાણવાળા વિસ્તારમાં આવેલા હોવાથી દર ચોમાસામાં ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા રહે છે. ઉંભેર ખાતે સાઇટ શરૂ થયા પછી 15 ટન વજન ધરાવતા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનના કચરા ભરેલા ભારે વાહનોની અવરજવરમાં કોઈ વિક્ષેપ ન પડે તે હેતુથી ઊંચા અને પાકા રસ્તાઓ બનાવવાનું નક્કી કરાયું છે.