Gujarat

યુવક અને ભાઈને ઘરે આવી છરીના ઘા ઝીંક્યા

ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલા ટેકરી ચોક પાસે સાતેક મહિના અગાઉ થયેલી માથાકૂટની દાઝ રાખી એક શખ્સે ઘરે આવી યુવક અને તેને બચાવવા પડેલા તેના ભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોર બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી આરોપી સામે તપાસ હાથ ધરી છે.

જૂની અદાવત રાખી ઘરે આવી હુમલો કર્યો રૂવાપરી રોડ ટેકરી ચોક પાસે ખાન સાહેબના ડેલામાં રહેતાં યાસમીનબેન કાઝીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સાતેક મહિના પહેલાં આરોપી ફેઝાન કાદરભાઈ ચુડેસરા તેમના પાડોશમાં માથાકૂટ કરવા આવ્યો હતો. તે સમયે તેમનો પુત્ર રેહાન વચ્ચે પડીને છોડાવવા ગયો હતો. જેની અદાવત રાખી ગત રાત્રે આરોપી છરી સાથે ઘરે આવ્યો હતો અને રેહાન પર હુમલો કર્યો હતો.

બચાવવા વચ્ચે પડેલા ભાઈને પણ છરી વાગી રેહાન પર હુમલો થતાં તેને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ ( ફરિયાદીના ભાણેજ)ને પણ આરોપીએ છરીના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બંનેને સર.ટી. હોસ્પિટલ પહોંચાડાયા હતા, જ્યાંથી એકને સારવાર બાદ રજા અપાઈ છે, જ્યારે અન્ય યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.