Gujarat

ધંધુકાના મોટા ત્રાડીયામાં ગેરકાયદે ખનન ઝડપાયું

ધંધુકા તાલુકાના મોટા ત્રાડીયા ગામમાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન અંગે ફરિયાદ મળ્યા બાદ વહીવટી તંત્રએ કાર્યવાહી કરી. ધંધુકાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર વિજયસિંહ ડાભી અને સર્કલ ઓફિસર ગોસ્વામીએ સ્થળ પર તપાસ કરી. મોટા ત્રાડીયા ગણોતિયા સહકારી ખેતી મંડળી લિમિટેડના સર્વે નંબર 604માં ગેરકાયદે ખનિજ વહન થતું હોવાની ફરિયાદ હતી. અધિકારીઓએ રેડ કરતા સર્વે નંબરમાં ખોદકામ મળ્યું. અહીં વેણમા શનિ કંપનીનું એક એક્સકેવેટર મશીન પણ મળી આવ્યું.

આ મામલે અમદાવાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીને જાણ કરાઈ. તેમણે ફિલ્ડ ફ્લાઈંગ સ્ક્વોડને તપાસ માટે મોકલી. તપાસ દરમિયાન કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ સરકારી જપ્તીમાં લેવાયો. એક્સકેવેટર મશીન મોટા ત્રાડીયા ગામના સરપંચને સોંપાયું છે. આ કાર્યવાહી ધંધુકા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે થઈ હતી. હવે ભૂસ્તરશાસ્ત્રીની ટીમ ખોદકામ થયેલા વિસ્તારનો સર્વે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.