રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંબંધીની સારવાર માટે આવેલા વૃદ્ધા સ્ટ્રેચર ખેંચતા હોવાની કરુણ સ્થિતિનો વીડિયો સામે આવ્યા બાદ ‘દિવ્યભાસ્કર’ દ્વારા આ અતિ ગંભીર મુદ્દાને પ્રભાવશાળી રીતે અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ હાલ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે.
આ અમાનવીય ઘટનામાં એક વૃદ્ધાએ પોતાના બીમાર અને વૃદ્ધ પતિને વોર્ડમાં લઈ જવા માટે કોઈ પણ સહાય વિના જાતે જ ભારે સ્ટ્રેચર ખેંચવું પડ્યું હતું, જે મામલે હવે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ ફરીવાર આવી ઘટનાઓ બને નહીં તેના માટે ખાસ એસઓપી બનાવવાનું જાહેર કરાયું છે. આજે દિવ્યભાસ્કરે કરેલા સર્વેમાં દર્દીઓની સાથે સિવિલના એટેન્ડન્ટ પણ હોવાનું જોવા મળ્યું હતું.
સિવિલ હોસ્પિટલનાં હિસાબી અધિકારી ડો. એમ.એસ. રોયે જણાવ્યું હતું કે, આ ઘટના ખરેખર અત્યંત દુઃખદ છે, હોસ્પિટલનાં પરિસરમાં દર્દીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કે બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. હોસ્પિટલના નિયમો અનુસાર સામાન્ય સંજોગોમાં જ્યારે પણ દર્દી સ્ટ્રેચર પર હોય ત્યારે તેની સાથે ક્લાસ-4 ના કર્મચારીઓ અને પટ્ટાવાળા ફરજિયાતપણે સાથે જ જવાના હોય છે.
પરંતુ આ ચોક્કસ કિસ્સામાં સ્ટાફ કેમ ઉપલબ્ધ ન રહ્યો અને કયા કારણોસર આ મોટી ચૂક થઈ તે અંગેની આંતરિક તપાસ ચાલી રહી છે. આ ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સંબંધિત એજન્સીને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે અને તેની પાસેથી સંતોષકારક ખુલાસો માંગવામાં આવ્યો છે.

